છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. જેનામાં ગરબા-ગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે…!

ગુજરાત સહિત જ્યાં જ્યાં ગુજરાતીઓ દેશ-વિદેશમાં જઇને વસ્યા છે તેઓ આસોની નવરાત્રિ ઉજવવા થનગની રહ્યાં છે. ગરવી ગુજરાતમાં યુવા હૈયાઓ મોર બની થનગાટ કરે..ની જેમ શેરીમાં. ચાલીમાં, પોળોમાં અને પાર્ટી પ્લોટમાં નવે નવ દિવસ નવલસી નવરાત્રિને માણવા માટે ઉત્સુક છે.
ગરબો એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબો. બન્ને એક સિક્કાની બે બાજુ સમાન છે. અને બન્ને એકબીજા વગર અધૂરા છે. કોરોના કાળની લગભગ પૂર્ણાહુતિ સમાન સમયમાં આ વખતે 2022ની નવરાત્રિ માટે ગુજરાત સરકારે પણ રાતના 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી છે. ચણિયાચોળીની ખરીદી માટે વિખ્યાત એવા લો ગાર્ડનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આીયોજિત નવરાત્રિના સરકારી ગરબાનું ઉદ્ઘાટન કરશે.
નવરાત્રિ અને ગરબો તેના ઇતિહાસને નવી પેઢીએ જાણવુ જોઇએ. નવી પેઢીના પાર્ટી પ્લોટમાં રમે છે પણ ગરબો ક્યાં છે તે જાણતા હોતા નથી. શેરી ગરબામાં ચોકની5 વચ્ચે પહેલાં ગરબી મૂકાય અને ત્યારબાદ તેની આસપાસ ગરબા રમવાની પરંપરા રહેલી છે.
ગરબાના ઇતિહાસ પર એક નજર નાંખીએ તો…

છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. જેનામાં ગરબા-ગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે. વિક્રમ સંવતના છેલ્લા પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પછી શરૂ થાય છે નોરતાં. મેઘરાજા-વરસાદ વિદાય લે, ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે.આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે. તે કોઇપણ ગુજરાતીને કહેવુ પડતું નથી.

‘ગરબો’ શબ્દના અર્થ બાબતે આપણા વિદ્વાનો વચ્ચે ભિન્નમત પ્રવર્તે છે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, વિજયરાય વૈદ્ય અને કે. કા. શાસ્ત્રી જેવા આપણી ભાષાના વિદ્વાન સર્જકોએ ‘ગરબા’ના અર્થ વિશે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. કેશવ હર્ષદ ધ્રુવે થોડુંઘણું અર્થઘટન કરી આપ્યું છે, જ્યારે કે. કા. શાસ્ત્રીએ તે બાબતે આમ જણાવ્યું છે, “ગરબો શબ્દ દીપગર્ભ ઘટઃ પૈકીના ‘ગર્ભ’માંથી હું લઉં છું. ગર્ભ શબ્દનો અર્થ ‘ઘડો’ અથવા ‘ઘડું’ એવો થાય છે. છિદ્રવાળા ઘડાને ‘ગરબો’ કહે છે.”
“અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ‘ગરબો કોરાવવો’ કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે.” ”તેથી ‘ગરબો’ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ માનવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય.” “દીપગર્ભ ઘટઃ એ પ્રયોગમાં ‘ઘટઃ’નો અર્થ ‘દીપગર્ભા’ એ વિશેષણ દ્વારા થવા લાગ્યો. કાળક્રમે ‘દીપગર્ભા’ શબ્દમાંથી પૂર્વપદ ‘દીપ’નો લોપ થતાં ‘ગર્ભા’ શબ્દ રહ્યો અને તેના પરથી ‘ગરભો’ થઈને ‘ગરબો’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. અને આ રીતે ‘ગરબો’ શબ્દ કાણાંવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. આ ગરબો દૈવી શક્તિનું પ્રતિક બન્યો. નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કૂંડાળું ગાવાની આગવી પરંપરા છે. તે ઉપરથી દેવની સ્તુતિ અને પરાક્રમનાં નવરાત્રમાં ગવાતાં કાવ્યોને પણ ‘ગરબા’ની સંજ્ઞા મળી હોય તેમ જણાય છે. પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો. એ ગરબામાંથી એકત્રિત રસની ગરબી પ્રકટી.

ભારતીય કલા અને સંસ્કૃતિના મર્મજ્ઞ ડો. કલ્લોલિની હઝરતે ગરબા વિશે એક અદ્ભૂત પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છેઃ ‘મારો ગરબો ઘૂમ્યો’.એ પુસ્તકમાં આપેલી માહિતી મુજબ, “ગરબો સંજ્ઞાની આસપાસ ત્રણ નામ જુદી-જુદી ભૂમિકાએ સંકળાયેલાં છે. એ ત્રણ નામ તે નરસિંહ મહેતા, ભાણદાસ અને વલ્લભ મેવાડો. કૃષ્ણ વસુદેવ દેવકીપુત્ર હોવા છતાં જેમ નંદ અને જશોદાનો પણ પુત્ર હતો તેમ ગરબાના સ્વરૂપ સાથે ભાણદાસનું નામ જોડાય.છતાં એના પોષણ-સંવર્ધનનું કામ વલ્લભ મેવાડાનું ગણાવી શકાય અને એનું વૃંદાવન રચવાનો યશ સર્જક દયારામનો છે.”
વલ્લભ મેવાડો એટલે ગરબાનો પર્યાય. એમની પાસેથી આપણેને અપાર વૈવિધ્ય મળ્યું છે છતાંય વલ્લભના ગરબાનું કેન્દ્ર છે માતાની પ્રકટ ભક્તિ. ‘મા તું પાવાની પટરાણી કે કાળી કાળિકા રે લોલ’ એ વલ્લભનો અતિપ્રસિદ્ધ ગરબો છે.’. રાસ અને ગરબામાં પ્રથમ શું છે એ વિશે કોઈ આધારભૂત એક વાક્યતા મળતી નથી. રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી અને ‘હરિવંશ’ તથા મહાકવિ ભાસની કૃતિઓમાં તેનો ઉલ્લેખ મળતો હોવાથી એ આપણું પ્રાચીનતમ સ્વરૂપ છે એમ કહી શકાય. રાસ ગુજરાતી છે, છતાં તે ગુજરાત પૂરતો મર્યાદિત નથી.
કૃષ્ણભક્તિ પ્રાચીન કાળથી ચાલતી આવી છે તો વિરાટ પ્રકૃતિને આદ્યમાતા જગદજનની તરીકે પુરાણ કાળથી સ્વીકારવામાં આવી છે. આમ કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધના રાસ અને ગરબા સાથે લગભગ સમાંતરે સંકળાયેલાં છે.
પ્રત્યેક ગીત એ ગરબો નથીઃ એક રીતે જોઈએ તો આ બન્નેમાં ઘણું બધું સામ્ય છે તથા જે ભેદ છે તે નહીંવત છે. ધર્મ બન્નેના કેન્દ્રમાં છે અને વર્તુળાકારે સમૂહ નૃત્ય પણ સમાન તત્ત્વરૂપે છે. સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતાં રમે તે રાસ. તાળી સાથે, ઘૂમતાં-ઘૂમતાં સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરુષો ઘૂમતાં ઘૂમતાં ગાય તે ગરબી. ગરબો ગુજરાતમાં આવ્યો અને સ્થિર થયો એની પાછળ એક રસિક ઈતિહાસ છે. વિખ્યાત નાટ્યકર્મી ગોવર્ધન પંચાલે રામનારાયણ પાઠક સાથેના પોતાના પુસ્તક ‘રાસ અને ગરબા’માં આ પ્રમાણે નોંધ કરી છે. શોણિતપુર-આસામમાં આવેલા હાલના તેજપુરના રાજા બાણાસુરનાં પુત્રી ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને પરણીને દ્વારામતીમાં આવીને વસ્યાં, નર્તનનો સુકોમળ લાસ્યપ્રકાર જગદંબા પાર્વતી પાસેથી તેમણે સૌરાષ્ટ્રની ગોપસ્ત્રીઓમાં પ્રચલિત કર્યો અને પરંપરા પ્રાપ્તિથી જે અન્ય જનપદોમાં પ્રસર્યો એવું ઘણા નાટ્યકારો કહી ગયા છે.”
ગરબો એ અનિવાર્યપણે સૌપ્રથમ ગીત છે. ગેયતા એ એનું પ્રથમ પગથિયું છે. ગરબો ફૅમિનિન ફોર્મ તરીકે સ્વાભાવિક રીતે જ સ્વીકારાયો હોવાને કારણે એના માટેની પૂર્વશરત એ છે કે એ સ્ત્રીની ઉક્તિ હોય એવી પ્રતીતિ થવી જોઈએ. પ્રત્યેક ગરબો સૌપ્રથમ ગીત હોય છે, પણ પ્રત્યેક ગીત એ ગરબો નથી હોતું, તો પછી ગીતને ગરબો બનાવનારાં નિર્ણાયક તત્ત્વો ક્યાં?
જેમાં નારીના ભાવ તથા ભાવનાનું સ્વની ભૂમિકાથી સર્વની ભૂમિકાએ પહોંચતું સંવેદન હોય એનું શબ્દલય, ભાવલય ને સંગીતની છટા અને છાકને અંકિત કરે એવું કાવ્યમય નિરુપણ હોય તથા તાળી અને ઠેક સાથે ગરબે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય એવું ગીત તે ગરબો.




