એક્ટર આમિર ખાનનાં પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. પરંતું આ ફિલ્મની સ્ટોરીનાં કારણે તેનાં પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કાયદાની આંટીધુંટીમાં ફસાઈ જવા પામી હતી. આ ફિલ્મ તા. 14 જૂનનાં રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવાની હતી. પરંતું ગુજરાત હાઈકોર્ટ તેની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે સ્ટે હટાવી લેતા હવે આ ફિલ્મ આગામી ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે જ આ મામલે સ્ટે આપ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મની રિલીઝને રોકવાના કેસમાં દલીલ કરતી વખતે વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ ફિલ્મ વર્ષ 1862ના કોર્ટના ચુકાદા પર આધારિત છે. વકીલે એમ પણ કહ્યું કે આ ફિલ્મ લેખક સૌરભ શાહ દ્વારા લખાયેલા પુસ્તક પર આધારિત છે. અરજદારે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અને પુસ્તક સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી.
એડવોકેટે વધુમાં જણાવ્યું હતું કે અરજદાર 1862ના નિર્ણય અને 2013માં લખાયેલા પુસ્તકથી વાકેફ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અરજદારની રજૂઆત એકદમ વાહિયાત છે. તેમણે એમ પણ કહ્યું કે, અમદાવાદના એક અગ્રણી ઉદ્યોગપતિએ જે પુસ્તક પર ફિલ્મ આધારિત છે તેની સામે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી સામે કોઈ પગલાં લીધાં નથી. મુકુલે વધુમાં કહ્યું કે, કોઈ વ્યક્તિ માટે ફિલ્મ બનાવવી, પ્રોડ્યુસ કરવી કે પ્લેટફોર્મ પર મૂકવી એ નાની વાત નથી. તે ખૂબ પૈસા અને મહેનત લે છે.
જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘મહારાજ’ 14 જૂને રિલીઝ થવાની હતી. આ ફિલ્મની રિલીઝ પર તેની રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 13મી જૂને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.




