ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની આજે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઈ હતી. કેપ ટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય કર્યો હતો.
પરંતુ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ શરૂઆતથી જ તરખાટ મચાવી દીધો હતો. મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં 6 વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો છે. સિરાજની તોફાની બોલિંગ સામે આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં સમેટાઈ ગઈ હતી. સિરાજે 9 ઓવરમાં 15 રન આપીને સાઉથ આફ્રિકાના 6 બેટ્સમેનોને પવેલિયન પરત કર્યા હતા.
તેમણે મેચમાં મિયાં મેજિક કરી બતાવ્યો અને એડન માર્કરામ, ડીન એલ્ગર, ટોની ડી જોર્જી, ડેવિડ બેડિંગહામ, કાયલ વર્ગ્ને અને માર્કો જેન્સેનને પોતાનો શિકાર બનાવ્યા. આફ્રિકાએ 15 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 34ના સ્કોર પર 5મી વિકેટ પડી. આ પછી આફ્રિકાનો આખો દાવ 55 રનમાં સમેટાઈ ગયો હતો.
આ મેચમાં મોહમ્મદ સિરાજનો તરખાટ એવો હતો કે આફ્રિકન ટીમ તરફથી વેરિયાને 15 રન અને બેડિંગહામે 12 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.
ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે આફ્રિકન ટીમનો એક જ દાવમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે નવેમ્બર 2015માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારપછી નાગપુર ટેસ્ટમાં આફ્રિકાની ટીમ 79 રનમાં સમાઈ ગઈ હતી.તે મેચમાં સ્પિનર રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.




