
વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ જાહેર કરી દીધી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયામાં કેટલાક યુવા ખેલાડીઓને પણ તક મળી છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની ટીમમાં પહેલાથી જ જગ્યા પાક્કી હતી. આ સાથે શુભમન ગિલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ચહલને એશિયા કપ બાદ વર્લ્ડ કપમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો છે. ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં કરશે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઇસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
ભારતમાં રમાનાર વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. વન-ડે વર્લ્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં 46 દિવસ માટે યોજાશે, જેમાં 48 મેચ રમાશે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ગયા વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 45 મેચ રમાશે. 15 અને 16 નવેમ્બરે 2 સેમિફાઈનલ રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.




