ટાર્ગેટઃ કાર્યકરો ધ્યાન આપો, સાબરકાંઠા બેઠક પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાની છે….
ટાર્ગેટઃ કાર્યકરો ધ્યાન આપો, સાબરકાંઠા બેઠક પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાની છે....

હિંમતનગર :હિંમતનગર ખાતે આગામી લોકસભા ચૂંટણી અનુસંધાનમાં સાબરકાંઠા ભાજપ સંગઠનની એક અગત્યની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, જિલ્લા ભાજપા અધ્યક્ષ કનુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, લોકેશભાઈ સોલંકી સહિત જિલ્લા ભાજપ સંગઠન તેમજ સમાવિષ્ઠ મંડલ, ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ કનુભાઈ પટેલે આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે લોકસભાની તમામ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે આ સાબરકાંઠા લોકસભા બેઠક પાંચ લાખ થી વધુ રેકોર્ડ બ્રેક માર્જિનથી જીતાય તે પ્રકારે સર્વે કાર્યકર્તાઓને કામે લાગવા હાકલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે વધુમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આગામી 25 વર્ષ વિકસિત ભારત કેવું હશે તે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે વાત કરતા જણાવેલ કે આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સીધો લાભ થાય છે. જે કાર્યકરોને જવાબદારી આપવામાં આવે છે તે કાર્યકર્તા સમય ન કાઢે તો તુરંત બદલી નાખવાની પણ સંગઠનને સૂચના આપી હતી.
જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ નમો એપના માધ્યમથી પેજ સમિતિના સભ્યોને જોડવા તેમજ વધુને વધુ લોકો સુધી સરકારની કામગીરીની માહિતી સ્પષ્ટપણે પહોંચે તે દિશામાં નક્કર કામગીરી માટે કાર્યકર્તાઓને દિશા દર્શન કર્યું હતું.
વધુમાં તેમણે પ્રદેશે નક્કી કરેલા કાર્યક્રમો કેવી રીતે થાય તેની માહિતી આપી હતી અને જિલ્લામાં 354 શક્તિ કેન્દ્ર છે તેમાં શું કરવું તેની પણ માહિતી આપી હતી. ગજેન્દ્રભાઈ સક્સેનાએ વધુમાં જણાવેલ કે તાલુકાઓના વિસ્તારકોનો પ્રવાસ ગોઠવી નક્કર કામગીરી કરવાની છે, દરેક ગામે પણ એક દિવસનો વિસ્તારક યોજના બનાવી વિસ્તારકોને કેવી રીતે જોડવા તેની માહિતી આપી હતી.
ધારાસભ્ય રમણલાલ વોરાએ સંબોધનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય તેમજ કેન્દ્રની ભાજપ સરકારની તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પૂરક બનવા સૌ કાર્યકર્તાઓને અપીલ કરી હતી. આ ઉપરાંત તેઓએ બુથ સશક્તિકરણ સહિત ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રમણલાલ વોરાએ વધુ જણાવ્યું હતું કે, જિલ્લામાં તમામ મોરચાના સંમેલન થાય તેમાં મહિલા મોરચા દ્વારા, લઘુમતી મોરચા દ્વારા, વધુ કાર્યક્રમો સંમેલનો દ્વારા પક્ષને કેવી રીતે ફાયદો થાય તે વિશે જાણકારી આપી જણાવ્યું કે સરકારની વિશ્વકર્મા યોજનામાં 18 જ્ઞાતિઓ આવેલ છે તેમને વધુ લાભ કેવી રીતે થાય તે માટે બક્ષીપંચ મોરચોએ વધુ મહેનત કરવાની છે બેઠકમાં યુવા મોરચા, મહિલા મોરચા, અનુ. જાતિ મોરચા, અનું. જન જાતિ મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, લઘુમતી મોરચા એ આગામી દિવસોમાં કરવાના કામો તેમજ તાલુકા અને જિલ્લા લેવલ સંમેલનો કરવા વિશે જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢાએ જણાવેલ કે હું અને અમારા તાલુકા વિસ્તાકો જે બુથ નબળું છે ત્યાં અમારો પ્રવાસ રહેશે. અમે દરેક ગામે જવાના છે તેમજ અમારા વિસ્તારકો શું કામગીરી કરશે તેની માહિતી આપી હતી.
જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ રાજકીય ઠરાવ વિશે બેઠકમાં નરેન્દ્રભાઈએ કરેલા કામોને અભિનંદન આપતો ઠરાવ વિશે જણાવેલ અને 22 જાન્યુઆરી રામ મંદિર નું લોકાર્પણ છે તે દિવસે ભાજપનો કાર્યકર્તા ઘરે-ઘરે દીવો પ્રગટાવે, ભજન થાય, રોશની થાય, મહા આરતી થાય, તેનું આયોજન કરે અને ઉજવણી કરે તે વિશે જણાવીને વિકસિત ભારત યાત્રાના એમ્બેસેડર બને તેવી હાકલ કરી હતી. આ બેઠકમાં કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકીએ કર્યું હતું. બેઠકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યકર્તાઓને શું કામગીરી કરવી તેની પણ માહિતી આપી હતી..




