અરવલ્લી: રાજ્યમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે નદી-નાળા ઓવરફ્લો થઇ રહ્યા છે. નદીઓના ઘસમસતાં પ્રવાહો લોકોની ચિંતા વધારી રહ્યા છે, ત્યારે અરવલ્લીમાં હાથમતી અને ઇન્દ્રાસી નદીમાં પણ પાણીની આવક થઇ રહી છે. આવામાં હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ પાસે શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં નદીના વરસાદી પાણી મંદિરાના ગર્ભગૃહમાં ભરાયા છે. જેનાથી સ્વયંભૂ ભવનાથ મહાદેવ જળમગ્ન થયા છે. સાથે ભિલોડાના જૂના ભવનાથમાં ભક્તિ સંગ કુદરતનો સંગમ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, શ્રાવણ માસમાં પૌરાણિક મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
બીજી બાજુ, અરવલ્લી જિલ્લામાં ડેમોની આવકમાં વધારો થયો છે. જેનાથી વાત્રક અને માઝુમમાં જળસ્તરમાં વધારો થયો છે. જેના લીધે આસપાસના ગામડાઓને એલર્ટ કરાયાં છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લીધે વાત્રક અને માઝુમમાં 4500 ક્યુસેક પાણીની આવક થઇ છે. માઝુમ નદીમાં પાણીની આવક વધી જતાં 4500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે આસપાસના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.




