મેડિકલ માટેની નીટની પરિક્ષામાં લોલમલોલ… સુપ્રિમે એનટીએને ફટકારી નોટિસ…..જવાબ આપો..
મેડિકલ માટેની નીટની પરિક્ષામાં લોલમલોલ... સુપ્રિમે એનટીએને ફટકારી નોટિસ.....જવાબ આપો..
સુપ્રીમ કોર્ટે આજે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ને રદ કરવાની અરજી પર સુનાવણી કરી હતી. દેશની સૌથી મોટી કોર્ટે આ સમયગાળા દરમિયાન NTAને નોટિસ પાઠવી છે. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની વેકેશન બેન્ચે આગામી સુનાવણી 8મી જુલાઈએ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે પેપર લીક ઉપરાંત, NEET-UG ઉમેદવારોએ વિદ્યાર્થીઓને સમયની ખોટ માટે વળતર માર્કસ આપવામાં અનિયમિતતાનો પણ આક્ષેપ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પરીક્ષાની ગરિમાને અસર થઈ છે. તેથી NTAએ જવાબ આપવો પડશે. જોકે, બેન્ચે હાલ પૂરતું કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. આંધ્રપ્રદેશના અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્યોએ 5 મેના રોજ લેવાયેલી પરીક્ષાને રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમજ SIT દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 જૂને જાહેર થયેલા પરિણામોના આધારે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે.
આ સંબંધમાં બીજી અરજી વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં NEETનું નવેસરથી આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે પરીક્ષામાં ગેરરીતિનો આરોપ મોટો મુદ્દો છે. NEET ની આયોજક સંસ્થા NTA એ પરીક્ષામાં પેપર લીક અથવા છેડછાડના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. નોંધનીય છે કે NTA દ્વારા લેવામાં આવતી NEET-UG પરીક્ષા દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિસિન, ડેન્ટિસ્ટ્રી અને આયુષમાં પ્રવેશ માટે જરૂરી છે.




