અરવલ્લી જિલ્લામાં બે લુંટારાઓએ મેઘરજ પોલીસની આબરુનું ધોળે દિવસે ચીરહરણ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જેના પગલે નાગરિકોમાં ભયની લાગણી વ્યાપી ગઇ છે કેમ કે બે બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસીને બે મહિલાને કોઇ સ્પ્રે છાંટીને બેહોશ કરી અને ત્યારબાદ લૂટ ચલાવીને ભાગી છૂટ્યા હતા. પોલીસ માટે પણ આ કદાજ પહેલી ઘટના હશે કે જેમાં લૂટારાઓએ ગુનાંમાં બેહોંશીની દવાનો ઉપયોગ કર્યો હોય.

ઘટનાની વિગતો અનુસાર, ગોકુલ નાથજી મંદિર પાસેના ફળિયામાં બે મહિલાઓ સાથે લૂંટની ઘટના બની હતી. જેમાં ભરબપોરે લોખંડની જાળી કૂદી આવેલા બે લૂંટારુઓ ઘરમાં ઘુસી ગયા હતા. અને સોના ચાંદી ના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા.
ઘરમાં પોતાનું કરી રહેલી મહિલા ગાયત્રીબેન કે.ભાટિયા સહિતની અન્ય એક મહિલા પર લૂટારાઓએ પાવડર જેવી કોઇ વસ્તુ છાંટતા મહિલાઓ તરત બેહોશ થઇ ગઇ હતી. અને તેઓ હોશમાં આવ્યા ત્યારે સોના ચાંદીના દાગીના લૂંટાયા હોવાનું માલુમ પડ્યું હતું.
આશરે ત્રણ લાખ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ હોવાનું ભોગ બનેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું. બનાવ અંગે મેઘરજ પોલીસને જાણ કરવામાં આવી હતી.સહેરના ભરચક વિસ્તારમાં બનેલી ચકચારી ઘટનાથી સમગ્ર મેઘરજ નગરમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.




