લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર મોદી સરકાર સત્તામાં આવી ગઇ છે. અને મોદી સરકારના મંત્રી મંડળની રચના પણ થઈ ગઈ છે. આવામાં ગુજરાતની વિવાદિત સીટ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ પરષોતમ રૂપાલા હાલ એક્શનમાં આવી ચૂક્યા છે..
કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આંદોલનનો પડકાર હોવા છતાં 5 લાખ જેટલાં વોટ માર્જિનથી જીત મેળવી હતી. ત્યારબાદ સાંસદ બનતા જ તેમણે રાજકોટની મુલાકાત લઇ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવ નિર્માણને લઇને પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી પણ વિગતો મેળવી હતી.
આ દરમ્યાન જંગી સરસાઈથી જીતવા છતાં તેમને મોદી કેબિનેટમાં સ્થાન ન મળ્યું અને તેમનું પત્તું કપાઈ ગયું. એવી વહેતી વાતો વચ્ચે પહેલીવાર તેમણે પત્રકારોને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે મંત્રીપદ આપવું કે ન આપવું કોઇ કારણો હોતા નથી. તેમણે કહ્યું કે પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય જ હશે હું તેમના નિર્ણયનું સ્વાગત કરુ છું, હું તેનો સ્વીકાર કરૂ છું.
આ બધાની મહત્વપૂર્ણ વાત એ છે કે પરષોતમ રૂપાલાની એક ટિપ્પણીને કારણે લોકસભાની ચૂંટણી પહેલા રાજપૂત સમુદાયમાં ભારે રોષ ઉભો થયો હતો, અને પહેલા સમગ્ર ગુજરાતમાં અને ત્યારબાદ ભારતમાં રાજપૂત સમાજના લોકો દ્વારા રૂપાલા સામે આંદોલન કરી ભારે વિરોધ પ્રદર્શન પણ યોજાયુ હતું.




