રાહુલનો દાવોઃ જાતિ ગણતરીના પગલે સત્ય બહાર આવશે… પણ કયુ સત્ય એ તો કહો..?
રાહુલનો દાવોઃ જાતિ ગણતરીના પગલે સત્ય બહાર આવશે... પણ કયુ સત્ય એ તો કહો..?
આજે દિલ્હી ખાતે મળેલી CWCની બેઠક બાદ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. લગભગ ચાર કલાક ચાલેલી આ બેઠકમાં જાતિગત જનગણનાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીએ નિર્ણય કર્યો છે કે જે રાજ્યોમાં તેમની સત્તામાં છે ત્યાં તે જાતિ ગણતરી કરશે. આ સાથે તે આ કામ કરવા માટે ભાજપ પર દબાણ પણ બનાવશે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખોની જાહેરાત સાથે જ પાંચ રાજ્યોમાં આજથી આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત બાદ તરત જ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અને ભાજપને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જાતિ ગણતરીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને લાગે છે કે ભારતમાં OBC અને આદિવાસીઓની જે ભાગીદારી હોવી જોઈએ તે નથી. આવી સ્થિતિમાં જો જાતિ ગણતરી હાથ ધરવામાં આવે તો સત્ય બહાર આવશે. ભાજપ જાતિ ગણતરીથી કેમ ભાગી રહ્યું છે? તેમણે વધુમાં કહ્યું કે, INDIA ગઠબંધનના ઘણા પક્ષો પણ જાતિ આધારિત ગણતરીને સમર્થન આપશે. એક-બે પક્ષોના મંતવ્યો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના પક્ષો તેને ટેકો આપશે.




