ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આજે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે નાના ગ થી મોટા ઘ રોડ તરફ બેફામ ગતિએ જઈ રહેલા છોટા હાથીના ચાલકે ટક્કર મારતાં હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું. જેને લઈ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ગાંધીનગરના સેક્ટર – 27 ખાતે રહેતા અને ચીલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ રૂપસિંહભાઈ નિત્યક્રમ મુજબ આજે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. ત્યારે નાના-ગ થી મોટા ઘ રોડ તરફ છોટાહાથીનાં ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને દિનેશભાઈને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત થતાં દિનેશભાઈ રોડ પર પટકાયા હતા અને માથામાં તેમજ શરીરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બાદ છોટા હાથીનો ચાલક દિનેશભાઈને લોહી નીતરતી હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં દિનેશભાઈનાં પરિવારજનો તેમજ પોલીસ સ્ટાફના માણસો પણ સિવિલ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી છોટાહાથીના ચાલકની ધરપકડ કરવાં માટેની તજવીજ હાથ ધરી છે.




