અમદાવાદમાં એક મહિલા ફાર્માસિસ્ટના ઘરેથી જ બેલેટ પેપરની ચોરી
પત્ર લખીને ચૂંટણી અધિકારીને મતગણતરી અટકાવવા કરી રજૂઆત
અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી અટકાવવા રજૂઆત થઇ છે. જો કાર્યવાહી નહીં કરાય તો ભૂખ હડતાળની ચિમકી પણ અપાઇ છે. જીપીએ પેનલના ઉમેદવાર અમી ભટ્ટના ઘરે પણ બેલેટ પેપર ચોર પહોંચ્યા હતા. જોકે માતાની સતર્કતાના કારણે બેલેટ પેપર ચોરાતુ અટકયુ હતું. ફાર્મસી કાઉન્સિલમાંથી આવુ છું કહી ઉઘરાણી રહ્યા છે બેલેટ પેપર તેમ જણાવાયું છે.
ફાર્મા ગૌરવ પેનલના માણસો લોકોને ગેરમાર્ગે દોરી બેલેટ પેપર ઉઘરાવી રહ્યા હોવાનો દાવો કરાયો છે.
જીપીએ પેનલના ઉમેદવાર અમી ભટ્ટ દ્વારા ચુટણી અધિકારીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આવા તત્વો વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજુઆત કરાઈ છે. બેલેટ પેપર ઉઘરાવવા પ્રોત્સાહન આપતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઇ છે.
સાથે સાથે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની પ્રબળ માંગ થઇ રહી છે.
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા એક પત્ર લખીને રજૂઆત કરાઇ છે કે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી અટકાવવા કારણ કે એક મહિલા ફાર્માસિસ્ટના ઘરેથી તેમના બેલેટ પેપર કોઇ ચોરીને લઇ ગયું છે.
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના ચૂંટણી અધિકારીને મોકલાયેલા આ પત્રમાં જીપીએ પેનલના ઉમેદવાર વણકર કિરિટકુમાર રેવાભાઈ તથા ભટ્ટ અમી રમેશચંદ્રે આ મામલે રજૂઆત કરી છે.
ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમદાવાદના એક મહિલા ફાર્માસિસ્ટનાં ઘરેથી જ તેમનું બેલેટ પેપર ચોરાઈ ગયું છે. ઘરે અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો, જેણે પોતે ફાર્મસી કાઉન્સિલમાંથી આવું છું કહીને મહિલાના પુત્ર પાસેથી બેલેટ પેપર લઈ લીધું હતુ. મહિલા ફાર્માસિસ્ટે આ અંગે ચૂંટણી અધિકારીને પત્ર લખીને પોતાનો મતની ગણતરી ન કરવા જણાવ્યું છે.
પત્રમાં જણાવ્યા અનુસાર પ્રીતિ પટેલ નામના ફાર્માસિસ્ટના ઘરે 28 સપ્ટેમ્બરે અજાણ્યા શખ્સો તેમના ઘરે આવી તેમની ગેરહાજરીમાં તેમના પુત્ર પાસેથી બેલેટ પેપરવાળુ કવર લઈ ગયા છે. તેમના બેલેટ પેપર દ્વારા ખોટું મતદાન થઈ શકે છે. 25 વર્ષ બાદ પ્રથમ વખત તેમને બેલેટ પેપર મળ્યું છે અને ચોરી થતા પસંદગીના ઉમેદવારને હવે વોટ નહિ આપી શકે. આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી. બેલેટ પેપર પર તેમની સહી ન હોવાથી ગેરકાયદેસર થયેલ મતદાન રદ્દ કરવું અને તેમને ફરીથી મતદાન કરવાની તક આપવી.





