નવરાત્રિમાં મોડે સુધી ખેલૈયાઓને ગરબે ઘુમવા દેવાના અને પોલીસને ખેલૈયાઓના રંગમાં ભંગ નહી પાડવાના સરકારના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગરબામાં લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરતા હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજા નોરતે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો હતો. સામાન્ય રીતે રાતે 12 વાગ્યે ગરબા બંધ થઈ જાય છે તથા 12 વાગ્યા પછી ચાલતા ગરબા પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવે છે પણ આ વખતે સરકારે ખેલૈયાઓના રંગમાં ભંગ નહી પાડવાનો નિર્ણય કર્યો છે.
ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઝુમી શકશે. જોકે હાલ આ મામલો પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ અધિકારીઓને મૌખિક સુચના આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશ્નરો (CP) અને દરેક જિલ્લાના પોલીસવડાને (DSP) સુચના આપી છે. જેથી રાતના 12 વાગ્યા પછી પણ ખેલૈયાઓ ગરબા રમી શકશે.
ગૃહ મંત્રાલયના આ નિર્ણય બાદ ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ખુશીની લહેર છવાય હતી અને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રાત્રિના 2 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબે ઝુમ્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણયથી પરેશાન એક નાગરિકે સરકારના આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. નિયમના પાલનની જવાબદારી પોલીસની છે તથા નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ કરાવી શકે છે.




