ભાજપમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો ‘મોદી કા પરિવાર’………હવે લાલુ શું કહેશે..?
ભાજપમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો ‘મોદી કા પરિવાર’.........હવે લાલુ શું કહેશે..?
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનુ નવુ અભિયાન શરુ થયુ છે. આને પરિવારવાદ પર લાલુ પ્રસાદ યાદવની ટિપ્પણીનો પલટવાર પણ કહી શકાય. RJDના વડા લાલુ યાદવના ‘પારિવારવાદ’ની મજાક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય પક્ષના નેતાઓએ PM નરેન્દ્ર મોદી સાથે એકજૂથ થઈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલમાં ફેરફાર કર્યો. આ તમામ નેતાઓએ X પર પોતાના નામની આગળ ‘મોદી કા પરિવાર’ લખ્યું છે.
‘મોદી કા પરિવાર’ થયુ ટ્રેન્ડ
વાસ્તવમાં, બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રવિવારે આયોજિત ‘જન વિશ્વાસ મહારેલી’ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે પરિવારની રાજનીતિ પરની તેમની તાજેતરની ટિપ્પણીઓને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. જે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનો જવાબ આપ્યો. પીએમ મોદીના જવાબ બાદ ભાજપે આ અંગે એક નવું અભિયાન શરૂ કર્યું છે, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના નામની આગળ મોદી પરિવાર લખ્યુ છે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, સુધાંશુ ત્રિવેદી સહિત ઘણા મોટા નેતાઓએ X (Twitter) પર પોતાનો બાયો બદલ્યો છે. તમામ નેતાઓએ પોતાના બાયોમાં ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. તે જ સમયે, પીએમ પર અભદ્ર ટિપ્પણીના મામલામાં પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ FIR BJYMના રાજ્ય પ્રવક્તા કૃષ્ણ સિંહ કલ્લુએ નોંધાવી છે.




