ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઇમ્સ-2022માં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં આ વિજેતા ખેલાડીઓના સન્માનનો ગૌરવશાળી સમારોહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રીએ કોમનવેલ્થ ગેઇમ્સ-2022માં ટેબલ ટેનિસ રમતમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇ (harmeet desai)ને રૂ. 35 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો. જ્યારે પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલ (bhavina patel)ને રૂ. 25 લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલ (sonal patel)ને રૂ. 10 લાખની પુરસ્કાર રાષિના ચેક અર્પણ કર્યા હતા. તેમણે આ કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાશિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત ખેલાડીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ-કૂદ રમત-ગમત માટે જે નવતર કદમ ઉઠાવ્યા છે અને પ્રોત્સાહનો આપ્યા છે તેનાથી દેશભરના હરેક ખેલાડીનો ઉત્સાહ વધ્યો છે. રમત-ગમત પ્રત્યે જોવાની લોકોની દ્રષ્ટિ બદલાઇ છે અને હરેક રમતોમાં છેક ગ્રામીણ સ્તરેથી પણ પ્રતિભાવંત હોનહાર ખેલાડીઓ વિવિધ રમત-ગમતોમાં ભાગ લેતા થયા છે. એટલું જ નહિ, ભારત હવે રમત-ગમત સહિત હરેક ક્ષેત્રે વિશ્વમાં આગળ વધ્યું છે. રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્યતન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે ઊભી રહી છે. મુખ્યમંત્રીએ આ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીર્દી અને વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.




