राष्ट्रीय

મેહાણા નપાએ ભયજનક મિલકતોને ફટકારી નોટિસો….

મેહાણા નપાએ ભયજનક મિલકતોને ફટકારી નોટિસો....

મહેસાણા શહેરમાં અનેક વર્ષો જૂનાં બાંધકામ જર્જરિત થઈ ગયેલાં જોખમી હાલતમાં ઊભાં છે ત્યારે ચોમાસાને લઈ પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર દ્વારા આવી ભયજનક મિલકતોનો સરવે કરીને શુક્રવારે નોટિસ આપવાનું શરૂ કરાયું છે. જો કે, પાલિકા તંત્ર દ્વારા દર વર્ષે માત્ર નોટિસ આપીને જવાબદારી રહીશોના માથે નાખ્યા બાદ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવતી ન હોવાથી પરિણામ શૂન્ય જ રહે છે.

મહેસાણા શહેરમાં વર્ષો જૂનાં જર્જરિત અનેક બાંધકામ આવેલાં છે અને ભયજનક બાંધકામ હોવા છતાં લોકો કોઈના કોઈ મજબૂરીના કારણે તેમાં રહેતાં પણ હોય છે. દર વર્ષે ચોમાસામાં પ્રિમોન્સુન કામગરીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આવી કેટલીક ભયજનક મિલકતોના રહીશોને મિલકતનો જર્જરિત ભાગ ઉતારી લેવા તેમજ સમારકામ કરવાની નોટિસ આપવામાં આવતી હોય છે, પરંતુ નોટિસ આપ્યા બાદ આગળ શું થયું તે જોવાની પણ દરકાર લેવાતી નથી કે નથી કોઈ ઠોસ કામગીરી કરવામાં આ‌વતી. જેથી ચોમાસા દરમિયાન આવાં જૂનાં જર્જરિત બાંધકામ ધરાશાયી થવાની દુર્ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે.

આ વર્ષે તો પાલિકાએ ચોમાસા પૂર્વે જ સરવે કરીને આવાં બાંધકામોને નોટિસ આપવાની પણ તસ્દી નથી લીધી. ચોમાસું લગભગ શરૂ થઈ ગયું છે ત્યારે હવે પાલિકા તંત્ર જાગ્યું છે. પાલિકા દ્વારા અગાઉના વર્ષોમાં નોટિસ આપેલી હોય તેવાં તેમજ નવાં જર્જરિત બાંધકામનો સરવે કરીને નોટિસ આપવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત નગરપાલિકાની ટીપી શાખા દ્વારા રજૂઆત મળી હોય તેવાં કે અન્ય કેટલાંક જર્જરિત બાંધકામનો સરવે કરાયો હતો અને શુક્રવારે આ‌વાં પાંચ બિલ્ડીંગના પ્રમુખ, મંત્રી તેમજ તમામ રહીશોને બાંધકામનો જર્જરિત ભાગ ઉતારી લઈ બિલ્ડિંગને ભયમુક્ત કરવા નોટિસ આપવામાં આવી છે.

Related Articles

Back to top button