માલદીવ સમજે શું એમના મનમાં..? આપણી મોદી સરકાર લક્ષદ્વીપમાં બનાવશે એરપોર્ટ…
માલદીવ સમજે શું એમના મનમાં..? આપણી મોદી સરકાર લક્ષદ્વીપમાં બનાવશે એરપોર્ટ...
માલદીવ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારત સરકાર લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર એક નવું એરપોર્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. આ એરપોર્ટના નિર્માણથી લક્ષદ્વીપમાં પ્રવાસન વધવાની આશા છે. ખાસ વાત એ છે કે, નવું એરપોર્ટ સિવિલ અને મિલિટરી હેતુ માટે હશે અને અહીંથી સિવિલ એરક્રાફ્ટની સાથે મિલિટ્રી એરક્રાફ્ટ પણ ઓપરેટ કરી શકશે.
સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, નવા એરપોર્ટ પર સિવિલ એરક્રાફ્ટની સાથે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર જેટ પણ ઓપરેટ કરી શકશે અને તે સંયુક્ત એરફિલ્ડ હશે. સરકારે અગાઉ મિનિકોય આઇલેન્ડ પર નવું એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
પરંતુ હવે આ પ્રસ્તાવમાં ફેરફાર કરીને તેને સંયુક્ત એરફિલ્ડ તરીકે વિકસાવવાની તૈયારીઓ ચાલી રહી છે. લશ્કરી દૃષ્ટિકોણથી નવા એરપોર્ટનું નિર્માણ ભારતને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર પર દેખરેખ રાખવામાં વ્યૂહાત્મક રીતે મદદ કરશે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અગાઉ સરકારને મિનિકોય આઇલેન્ડ પર એરસ્ટ્રીપ બનાવવાનું સૂચન કર્યું હતું. પરંતુ હવે તાજેતરના પ્રસ્તાવમાં ભારતીય વાયુસેનાને અહીં મોટી કામગીરી સોંપવામાં આવશે.
મિનિકોયમાં એરપોર્ટના નિર્માણથી લક્ષદ્વીપમાં પ્રવાસનને પણ વેગ મળશે. હાલમાં લક્ષદ્વીપમાં અગાટી ટાપુ પર એક એરસ્ટ્રીપ છે, પરંતુ તે પટ્ટી પર તમામ પ્રકારના એરક્રાફ્ટ ઓપરેટ કરી શકતા નથી. પીએમ મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદથી આ કેન્દ્રશાસિત પ્રદેશ પણ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર પીએમ મોદીની તસવીરો જોઈને લોકો લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે કરી રહ્યા છે. આને લઈને વિવાદ થયો હતો કારણ કે માલદીવના કેટલાક નેતાઓએ પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પર ભારત સરકારે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. વિવાદ બાદ માલદીવ સરકારે પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનારા મંત્રીઓને પણ હટાવી દીધા છે.




