રાજકોટ: શાપર વેરાવળના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ (Rajkot kidnapping) મામલે પોલીસે છ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. અપહરણકર્તાઓએ શાપર વેરાવળના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી રૂપિયા 15 કરોડની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ અને અમરેલી પોલીસે (Rajkot-Amreli Police) સંયુક્ત ઓપરેશન હાથ ધરી અપહરણ કરવામાં આવેલા યુવાનને રાજુલા પાસેથી મુક્ત કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કસ્તુરબા રોડ (Kasturba road) ઉપર રહેતા અને શાપર વેરાવળમાં કમલ એન્ટરપ્રાઇઝ (Kamal Enterprise) નામની ફેક્ટરી ધરાવતા સબીરભાઈ તેલવાલા (Sabirbhai Telwala)ના પુત્ર અદનાનનું 14મી તારીખના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.
અદનાન 14મી તારીખના રોજ ફેક્ટરી પાસે હતો ત્યારે ફેક્ટરી પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ અદનાનને છોડવા માટે રૂપિયા 15 કરોડની ખંડણી પણ માંગી હતી. સમગ્ર મામલે ઉદ્યોગપતિ સબીરભાઈએ શાપર પોલીસ (Shapar Police)નો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન આરોપીઓ અદનાનને લઈ રાજુલા તરફ નાસી ગયા હોવાની જાણ થઈ હતી.




