ખેડબ્રહ્મામાં એક સાથે 500થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં….
ખેડબ્રહ્મામાં એક સાથે 500થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં....
ખેડબ્રહ્મા વિધાનસભામાં એકસાથે 500થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. પૂર્વ તાલુકા પ્રમુખ સહિત AAPના ઉપપ્રમુખે પણ કેસરિયો ધારણ કરી લીધો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિમાં વિખવાદ થતા કાર્યકરોએ કોંગ્રેસ છોડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાથી માંડીને યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિનયસિંહ તોમરથી લઇને યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો હતો. તદુપરાંત ભરૂચ કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડ્યું હતું. પૂર્વ પ્રમુખ સહિત 400 કાર્યકરોએ કેસરિયા કરી લીધા હતા. ભરૂચ કોંગ્રેસમાં તાજેતરમાં જ રાજીનામું આપનાર શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાનો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈને ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા. તેઓ રવિવારે સત્તાવાર જાહેરાત મુજબ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. ભરૂચ ડિસ્ટ્રીકટ કોઓપરેટિવ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહરાણા,મહામંત્રી નિરલ પટેલ,પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરોએ ભાજપની વિચારધારાને પસંદ કરી હતી. આ સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને પણ ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.




