गुजरातराष्ट्रीय

જરૂરી માર્ગદર્શનઃ ખરીફ પાક લેવા માટે જમીનને કેવી રીતે તૈયાર કરવી…..?

જરૂરી માર્ગદર્શનઃ ખરીફ પાક લેવા માટે જમીનને કેવી રીતે તૈયાર કરવી.....?

ખાસલેખ

ડૉ. પી.જે. પટેલ, સરદાર કૃષિનગર દાંતિવાડા ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના મહેસાણા જિલ્લામાં જગુદણ ખાતે આવેલા બીજ મસાલા સંશોધન સ્ટેશનમાં વૈજ્ઞાનિક છે. તેઓ કહે છે કે, “ચોમાસું બેસતાં પહેલાં ત્રણ વસ્તુ કરવી અગત્યની છે, જેથી વાવણી પહેલાં જમીન તૈયાર થઇ શકે.

પહેલું, જમીનની અંદર જે જીવાત હોય તેના નાશ માટે ઊંડી ખેડ કરવી જોઈએ. આમ કરવાથી જીવાત નાશ પામશે.

બીજું, ખેડ કરીને જમીનને ઉનાળામાં તપાવવી જોઈએ. જેથી કરીને જીવાતો નાશ પામે અને પવનથી ઓર્ગેનિક પદાર્થો જમીનમાં જાય અને જમીનની ગુણવત્તા સુધરે.

ત્રીજું, વરસાદ આવે તે પહેલાં છાણીયું ખાતર જમીનમાં નાખવું જોઈએ. જેથી કરીને વાવણી પહેલાં જમીનની ગુણવત્તામાં વધારો થાય.

આના સિવાય, વરસાદનું પાણી વેડફાય નહિ તે માટે તૂટેલી પાળ બાંધી દેવી જોઈએ. આમ તો ખરીફ પાકને પાણીની અછત રહેતી નથી પરંતુ, ઘણીવાર વરસાદ ઓછો પડે છે, તેથી તે વખતે ચોમાસું શરુ થતાં પહેલાં જ પાણીનો સંગ્રહ કરવા માટે કૂવો અથવા ટાંકી અથવા તલાવડી બનાવી શકાય.

ચોમાસા પહેલાં કચરો અને નિંદામણ વીણીને સાફ કરવું જોઈએ. જો જરૂર હોય તો પાણીમાં જીપ્સમ ઉમેરી શકાય. જીપ્સમથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે.લીલું ખાતર જરૂર હોય તો નાખી શકાય.ખરીફ પાક માટે ગુજરાત સરકાર અનુસાર, જો ખેતર ઢાળ પર હોય તો ખેડૂતોએ વિવિધ પાકો માટે જુદી જુદી પંક્તિઓ ગોઠવવી જોઈએ.ખેડૂતો નફો મેળવવા માટે પાકને મિશ્રણ કરીને (મિક્સ ફાર્મિંગ) વાવી શકે છે.

ડાંગરના પાક માટે જો નર્સરી ઊભી ન હોય તો અંકુરિત બિયારણનો ઉપયોગ કરવો જોઈએ.સમયસર આંતર-સંવર્ધન કરીને અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ભેજનું સંરક્ષણ કરી શકાય.

વરસાદી ઋતુમાં જે પાકનું વાવેતર કરવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. તે ઉનાળો અથવા ચોમાસું પાક તરીકે પણ ઓળખાય છે. ભારતમાં સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈમાં પ્રથમ વરસાદની શરૂઆત સાથે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતમાં 101 લાખ હેક્ટર ચોખ્ખો વાવણી વિસ્તાર છે અને કુલ પાક વિસ્તાર 128 લાખ હેક્ટર છે. રાજ્યમાં 8 કૃષિ આબોહવા ઝોન છે. રાજ્યમાં જમીન ઊંડી કાળી, માધ્યમ કાળી, રેતાળ અને ક્ષાર વાળી પણ છે. ગુજરાતમાં ખારી જમીન અને આલ્કલાઇન જમીન હેઠળ સૌથી વધુ વિસ્તાર છે, જે અનુક્રમે 16.80 લાખ હેક્ટર અને 5.41 લાખ હેક્ટર છે.

ગુજરાતમાં, 24.94 ટકા વિસ્તાર શુષ્ક અને 35.56 ટકા અર્ધ શુષ્ક વિસ્તાર હેઠળ આવે છે. માત્ર 34.4 ટકા વિસ્તારમાં જ સિંચાઈ થાય છે. ગુજરાતના અડધા જેવા જિલ્લાઓ પાણીની તકલીફો ધરાવે છે.

Related Articles

Back to top button