જી20ના ઉદઘાટનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન સહિત વિશ્વના 18 મહાનુભાવો ભારત પધારી ચુક્યા છે અને આવતીકાલે 9મીએ પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે દબદબાભેર અને આન બાન ઔર શાન કે સાથે વડાપ્રધાન મોદી દ્વારા તેનું ઉદઘાટન કરાશે. આખી દુનિયામાં મોદીના નામનો ડંકો વાગશે અને બાઇડન સહિતના આગેવાનો ભારત અને મોદીના ભારોભાર વખાણ કરશે.
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 બેઠકમાં શનિવારે આયોજિત G20 સમિટ ડિનરમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના આ બે સૌથી ધનાઢ્ય વ્યક્તિત્વ G20 નેતાઓમાં જોડાશે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે તેની સ્થિતિ દર્શાવશે. આ રાત્રિભોજન માટે લગભગ 500 વ્યવસાયિક હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. અન્ય ભારતીય સેલિબ્રિટીઓમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, અબજોપતિ કુમાર મંગલમ બિરલા, ભારતી એરટેલના સ્થાપક-ચેરમેન સુનીલ મિત્તલનો સમાવેશ થાય છે, રોઇટર્સે અહેવાલ આપ્યો છે.
રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન, G20 સમિટને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના દિલ્હી સહિત સમગ્ર દેશમાં એરસ્પેસ પર નજર રાખવા માટે તેના ફાલ્કન AWACS એરક્રાફ્ટનું સંચાલન કરશે. તેને આકાશની આંખ કહેવામાં આવે છે.
હિંડન એરબેઝ, અંબાલા, સિરસા, ભટિંડા ડિફેન્સ એરબેઝ, દિલ્હીની આસપાસ બનેલા એરપોર્ટને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ફાઈટર જેટ રાફેલ, એન્ટિ ડ્રોન સિસ્ટમ ઉપરાંત વાયુસેનાએ 70 થી 80 કિલોમીટર સુધીના ટાર્ગેટને હિટ કરી શકે તેવી મિસાઈલો તૈનાત કરી છે.
સમાચાર અનુસાર, યુએસ પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા નવી દિલ્હીમાં યોજાનારા G20 સમિટ ડિનરમાં હાજરી આપે તેવી શક્યતા છે.




