ગુજરાતે કર્યો સાદ-ફરી આવ્યો વરસાદ.. ખેડૂતોમાં ખુશીની હેલી….
ગુજરાતે કર્યો સાદ-ફરી આવ્યો વરસાદ.. ખેડૂતોમાં ખુશીની હેલી....

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા ત્યારે ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પંચમહાલ, અરવલ્લી, વલસાડમાં, છોટાઉદેપુર સહિતના જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
સારા વરસાદના કારણે ખેડૂતોમાં સારા પાકની અપેક્ષા જાગી છે. છોટાઉદેપરુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાના કારણે પાકને જીવતદાન મળ્યું છે. આજે રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેતપુર પાવીમાં 1.5 ઈંચ, બોડેલીમાં 1 ઈંચ વરસાદ તેમજ કુકરમુંડા અને જાંબુઘોડા 1-1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે કપરાડા, દાહોદ, કવાંટ, મોરવા હડફમાં 1-1 ઈંચ વરસાદ નોઁધાયો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગીરના જંગલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. લાંબા સમયના વિરામ બાદ ગીરના જંગલમાં વરસાદ વરસ્યો છે. શિંગોડા ડેમનો એક દરવાજો પોણો ફૂટ ખોલાયો છે. જેના પગલે કોડીનારના 16 ગામને એલર્ટ કરાયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી સહિતના જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચોથા રાઉન્ડના વરસાદથી સુકાતા પાકને ફરી એકવાર જીવનદાન મળ્યું છે. સમગ્ર જિલ્લામાં સારા વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

