ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક શખ્સને બાતમીના આધારે ગાંભોઇ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઇ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં ગાંભોઇ પોલીસને સફળતા મળી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંભોઇ પીએસઆઇ વી.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન એએસઆઇ કાળુભાઇ દેવાભાઇ તથા અપકો સંજયકુમાર ગોપાલભાઇને સંયુકત બાતમી મળી હતી કે એક ઇસમ કેબલ વાયરની ચોરીઓ કરી હતી તે કેબલ વેચાણ માટે લઇ જઇ રહ્યો છે અને તે હાલ ગાંભોઇ ત્રણ રસ્તા નજીક પુલીયાની નીચે ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે કોર્ડન કરી તેની પુછપરછ કરતા શખ્સે તેનુ નામ રવિ ઉર્ફે રાજદીપ રાજુભાઇ પ્રતાપભાઇ દેવીપૂજક (ઉ.વ.૩૫, રહે.ડેલાવસાહત, મહેસાણા) હોવાનુ જણાવ્યુ હતુ અને તેના હાથમાં રહેલી થેલીમાં જોતા થેલીની અંદર તાંબાના કેબલના વાયરના ઝુમ્ખા મળી આવ્યા હતા. જેથી પોલીસે તે શખ્સને વધુ પુછપરછ કરી હતી. જે દરમિયાન ગાંભોઇ પોલીસ મથકમાં કેબલ ચોરીની ફરિયાદ નોંધાઇ હોવાનુ માલુમ પડયુ હતુ. આમ ગાંભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.




