લોલમલોલ..પોલમપોલ… સંચાલક સહિત 7 શિક્ષકો સામે ફરિયાદ નોંધાઇ…
લોલમલોલ..પોલમપોલ... સંચાલક સહિત 7 શિક્ષકો સામે ફરિયાદ નોંધાઇ...
સાબરકાંઠામાં શિક્ષણ જગતને લાંછનરૂપ એક બનાવમાં સાત શિક્ષકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા હલચલ મચી ગઇ હતી. સાત શિક્ષકો ઉપરાંત શાળા સંચાલકની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાની માધ્યમિક શાળાના સંચાલક સહિત સાત શિક્ષકો સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
વિગતે જોઇએ તો, વર્ષ 2016 માં થયેલી બોગસ ભરતી કાંડના મુદ્દે સત્યમ કેળવણી મંડળ સંચાલિત સૌરભ વિદ્યાલયના શિક્ષકો સહિત સંચાલક સામે પોલીસ ફરીયાદ થઇ છે. જેમાં જણાવાયું હતું કે, વર્ષ 2009માં ભરતી થનાર શિક્ષકે વર્ષ 2014ની ટાટ પાસ પરીક્ષાનું સર્ટી રજૂ કર્યું હતું. તો કેટલાક શિક્ષકોએ અરજીની તારીખમાં ચેડાં કર્યા હતા. આ ઉપરાંત શાળામાં ઉદ્યોગ શિક્ષકની કોઇ જગ્યા જ ન હોવા છતાં ઉદ્યોગ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ સમગ્ર મામલામાં સંચાલક દ્વારા શિક્ષકોએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવા છતાં તેમની કાયમી ભરતી કરવા માટે આ બનાવટી દસ્તાવેજ શિક્ષણ વિભાગમાં રજૂ કરીને સરકારને ગેરમાર્ગે દોર્યા હતી.
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, તેઓ એક રીતે જોઇએ તો તેઓ ખોટી નિમણૂક મેળવીને નોકરી કરી રહ્યા હતા. અને વર્ષ 2016 માં આ ગંભીર ગોબાચારીનો મામલો સામે આવતા કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી.




