હરિયાણામાં ભાજપ સરકાર લઘુમતિ આવતા કોંગ્રેસ હરખાઇ…પણ ફાવશે નહીં….
હરિયાણામાં ભાજપ સરકાર લઘુમતિ આવતા કોંગ્રેસ હરખાઇ...પણ ફાવશે નહીં....
હરિયાણામાં કોંગ્રેસે બુધવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા બાદ રાજ્યમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે. ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભાજપની સરકારને આપેલો ટેકો પાછી ખેંચી લેતા કોંગ્રેસ આ માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે અપક્ષ ઉમેદવારોએ ટેકો પાછો ખેંચી લેતા હાલની નાયબ સિંહ સાયનીની સરકાર રાજ્યની વિધાનસભામાં લધુમતીમાં આવી ગઈ છે.
કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે હરિયાણાના ગવર્નર બંદારું દત્તાત્રેયને લેખિતમાં રજૂઆત કરીને કહેશે કે રાજ્યમાં ભાજપની સરકારને વિખેરી નાખવામાં આવે. કોંગ્રેસે આ જ પ્રકારનો પત્ર જેજેપી, આઈએનએલડી અને અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુને પણ લખવા માટે જણાવ્યું છે. જેથી કરીને બીજેપીના વિરોધ કરવાના મુદ્દાને સમર્થન મળે.
જોકે સિરસા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સાયનીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મુશ્કેલીમાં નથી. તેમની સરકાર હાલ મજબૂત રીતે કામ કરી રહી છે.




