ગાંધીનગરના સેક્ટર-2/બી અને સેક્ટર- 24 ઇન્દિરાનગરમાં ચાલતા જુગાર ધામ ઉપર પર ત્રાટકીને સેકટર-7 પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ તેમજ એક નિવૃત પોલીસ કર્મચારી સહિત 15 જુગારીઓને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રોકડ રકમ, મોબાઈલ ફોન, જુગારનું સાહિત્ય મળીને રૂ. 80 હજારનો મુદ્દદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના સેકટર-7 પોલીસ મથકની હદમાં સેક્ટર-2/બી પ્લોટ નંબર 1433/2માં 39 વર્ષીય મહિલા દ્વારા ઘણાં સમયથી જુગારધામ ચલાવવામાં આવતું હતું. આ જુગારધામ પર પોલીસ કર્મચારીઓ પણ જુગાર રમવા માટે જતાં હોય સ્વાભાવિક રીતે જુગારીઓમાં પોલીસનો ડર રહ્યો નહોતો. જોકે, અત્રે જુગારધામ ચાલતું હોવાની ગંધ લોકલ ક્રાઇમ બ્રાંચને આવી ગઈ હતી. જેનાં પગલે સેકટર – 2/બીના ઉક્ત મકાનમાં આયોજન પૂર્વક દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબીની ટીમે મકાનનાં મુખ્ય દરવાજાની જગ્યાએ બાલ્કનીનો દરવાજો ખખડવાતા એક મહિલા બહાર આવી હતી. જેણે પોતાનું નામ ગીતાબેન ભાથીજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બાદમાં એલસીબીએ મકાનની અંદર પ્રવેશ બેડરૂમમાં તપાસ કરતાં છ જુગારીઓ કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠા હતા.
અચાનક એલસીબીની ટીમને જોઈને સેકટર-7 પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અરવિંદ દંતાણીના મોતિયા મરી ગયા હતા. એલસીબીએ જુગારીઓને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી દરોડાની કાર્યવાહી શરૂ કરતાં જુગારીઓ કગરવા લાગ્યાં હતાં. પણ એલસીબીની ટીમે કોઈની શેહશરમ રાખ્યા વિના રાણા પ્રતાપજી મકવાણા (રહે. ઇન્દ્રોડા ગામ), કનૈયા દલસુખભાઈ પટેલ(વાવોલ), કિરીટ વાઘેલા (કુડાસણ), કનુ બબાભાઇ શાહ (રહે. કુડાસણ, શુકન સ્કાય), સુરેશ કનુભાઇ રાવળ( રહે. દશામાનાના મંદીરની પાછળ, ફતેપુરા ) અરવીંદ અમૃતલાલ દેતાણી (રહે. સેક્ટર 16, બ્લોક નં 44/4, ચ ટાઈપ) અને ગીતા શનાજી ઠાકોર (મુળ રહે. છત્રાલ)ની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી લીધી હતી.




